ghu ghu ghu - Geet | RekhtaGujarati

ઘૂ ઘૂ ઘૂ

ghu ghu ghu

મીનપિયાસી મીનપિયાસી
ઘૂ ઘૂ ઘૂ
મીનપિયાસી

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

કોયલ કૂજે કૂ કૂ કૂ

ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં

ચકલાં ઉંદર ચૂં ચૂં ચૂં

ને છછૂંદરોનું છું છું છું

કૂજનમાં શી કક્કાવારી?

હું કુદરતને પૂછું છું:

ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો

માનવ ઘૂરકે હું હું હું

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

લખપતિઓના લાખ નફામાં

સાચું ખોટું કળવું શું?

ટંક ટંકની રોટી માટે

રંકજનોને રળવું શું?

હરિ ભજે છે હોલો પેલો:

પીડિતોનો પરભુ! તું, પરભુ! તું

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

સમાનતાનો સમય થયો ત્યાં

ઊંચું શું ને નીચું શું?

ફૂલ્યાં ફાલ્યાં ફરી કરો કાં

ફણિધરો શાં ફૂં ફૂં ફૂં?

થાંથાં થઈને થોભી જાતાં

સમાજ કરશે થૂ થૂ થૂ

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

પરમેશ્વર તો પહેલું પૂછશે

કોઈનું સુખદુઃખ પૂછ્યું’તું?

દર્દભરી દુનિયામાં જઈને

કોઈનું આંસુ લૂછ્યું’તું?

ગેં ગેં ફેં ફેં કરતાં કહેશો

હેં હેં હેં હેં! શું શું શું?

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

(તા. ૧૧-૧૦-’૫૫)

સ્રોત

  • પુસ્તક : ઝૂલ ઝાલાવાડ ઝૂલ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ડૉ. રમણીકલાલ મારુ, રમેશ આચાર્ય
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2016