jarur shun chhe? - Geet | RekhtaGujarati

જરૂર શું છે?

jarur shun chhe?

ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ
જરૂર શું છે?
ધ્રુવ ભટ્ટ

ગીત જડ્યાં તે ગાયાં ને? બસ, કવિ થયાની જરૂર શું છે?

ભલે થયું; અજવાળું થ્યું ને? છળી પડ્યાની જરૂર શું છે?

નભ વરસ્યું ને નાહ્યા એની મોજ મલી તે માણો

ભીનાં થયામાં અવસર છે તે ક્ષાન સમૂળું છાંડો

જાત તે જેવી ને તેવી છે નવી કર્યાની જરૂર શું છે?

ગીત જડ્યા તે ગાયાં ને? બસ, કવિ થયાની જરૂર શું છે?

હોય તો અનરાધાર પંડને ભૂલવાડી દે તેવું

કબૂલ કિંતુ તે ક્ષણ વીત્યે નથી ટપકતું નેવું

પળના ઝબકારને કાયમ ગણી ગયાની જરૂર શું છે?

ગીત જડ્યાં તે ગાયાં ને? બસ, કવિ થયાની જરૂર શું છે?

મટી જવાની લીલા છે કંઈ બનવનો આધાર નથી

જળ વાયુ કે તેજ સમજ કંઈ પથ્થરના આકાર નથી

ઘણું ઘ્રહેલું ભૂલવાડે તે છવી ગ્રહ્યાની જરૂર શું છે?

ગીત જડ્યાં તે ગાયાં ને? બસ, કવિ થયાની જરૂર શું છે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2014 (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : કિશોરસિંહ સોલંકી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2017