નર્મદ
Narmad
ઘાયલ જંગી હો, રણમાં જીત દિસેજી,
ઉઠિ સજિ લડિને હો, રંગી રોહો જસેજી-ટેક.
રાત વિતી ને વાયું વ્હાણું, અરૂણોદય દીપતો આ;
પ્રકાશ કુમળો સુનું ઓપતું, શકુન સહૂ શુભ સોહ્યા - ઘા...
થયો ટકોરો ઘડીઆળનો, ફુટ્યો ટાચકો કરનો;
કરી ટણકારા ધનુષ બાણના, લો લ્હાવો જશ જરનો - ઘા...
જે જે જગમાં મોટાં સંકટ, તેના અનુભવ લીધા;
હરી કૃપાએ ધીર ધરીને, ટેક ન મૂકી દીધા - ઘા...
હરી કૃપાએ શકુન થાય આ, દુખનો બદલો વળશે;
કરો પરિશ્રમ થઈ મરણીઆ, છે સંધી તે ફળશે - ઘા...
શરૂ કરો ઝટ રણનાં વાદ્યો, શસ્ત્ર રૂડાં ખખડાવો;
કૂચ કરો સહુ ઉપાડી પગલાં, મનમાં ઉમંગ લાવો - ઘા...
નથી રૂઝાયા ઘા તોએ પણ, પ્રાહાણે જોર જમાવો;
ટાંકા તૂટે મરો કદી પણ, હરિ સમરીને ધાઓ - ઘા...
કુલીનતાએ દુખડાં વેઠ્યાં, મરી ન ગઈ અદ્યાપી;
તે સામું શું હરી નહીં જોશે, દાઝ ભક્તિની લાવી - ઘા...
નિરાશ છો તોપણ ઓ ભાઈ, સાચું શૌર્ય જો છે તો;
મરતાં સૂધી મથી મચી ઘુમશો, શોક મુકી દઈ વ્હેતો - ઘા...
દૈવ તુરંગી વિચિત્ર અંતે, કાં નવ યશ સુખ આપે;
નવ આપે તોપણ શ્રમ જોઈ, ઊંચ અમર કરિ થાપે - ઘા...
વીર્યથકી ને જન્મથકી છો, વિધ વિધ રણે ઘડાયા;
છાતીજખમથી જશે કરી છે, કુંદન સરખી કાયા - ઘા...
એવા છો તોએ આખર શું, ઠરશો કાયર જાયા?
પીઠજખમથી કહેવડાવશો, નિત્ય ધિઃક જીવ છાયા - ઘા...
નહીં નહીં ભાઈ મરવું રૂડું, પીંખાવું બહુ કૂડૂં;
જુઓ તમારૂં શૌર્ય તકતકે, થઈ રહ્યું ઊડૂં ઊંડૂં - ઘા...
મ્યાનમાંહેની તરવારો તે, કહે છે હમને કહાડો;
ભણકારા બહુ યશના કાને, પડે શું વાર લગાડો - ઘા...
ખોઈ ભાંય ને ખોયું ધંન રે, રક્તબીજ નવ ખોશો;
ખોશો જો અભિમાન દેશનું, સુખ કો કાળ ન જોશો - ઘા...
દેશદાઝ જાં લગી જીવતી, તાં લગી સઘળી આશા;
ભાંય ધંન સહુ પાછાં મળતાં, પડંત સવળા પાસા - ઘા...
એ જોસ્સો જો ગયો સમૂળો, પડ્યા ન ઉઠશો કો દી;
ગુલામ થઈને નીચાં કરમો, સદૈવ કરશો શો દી - ઘા...
માટે કહે નર્મદ સામગ્રી, કરો ઠરીને વ્હેલા;
સમય જોઈને કરો ધસારો, આવે નકી સુખવેળા - ઘા...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 146)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
