wasant - Geet | RekhtaGujarati

મ્હેક મ્હેક મ્હેક મ્હેક મ્હેક મ્હેક મ્હેક

નખમાંથી નભમાંથી, પંડમાંથી પળમાંથી

દદડે છે રંગરંગ, પલળે છે આંખકાન સાનભાન ઘોઘમાર

દીસે છે રંગરૂપ એક એક એક એક એક એક એક

ઉંબરાથી ઓસરીથી, ઘરમાંથી શેરીએથી

ધમધમતી જાય જુઓ મોસમની વરણાગી પાલખી!

ખાખરાએ કેસરિયા કોર્યા ઝરૂખડા

-ને ઝાડવાએ ઝાડવાએ વેલબુટ્ટા હોય એવા

વાઘા સજે છે બધી ડાળખી!.

નર્તનિયા ઓઘઓઘ, ચેતનિયા ઘાટ-ઘૂટ, મૂંઝારા મોભમોભ

ડૂબે અજાણ પંથ, ડૂબે છે તારતાર

તૂટે વિચાર જોમ ટેક ટેક ટેક ટેક ટેક ટેક ટેક

પંડનાં પારેવડાંની આરપાર મઘમઘતું

સરસરતું જાય ગગન મરજાદી ધબકારા તાકતું!

ઓળઘોળ આંજેલાં પોપચાંઓ ઊંચકાતાં

ભીતર’ને ભીતર કોઈ છલકાતાં સુખ જેવાં

કમખે પતંગિયાંઓ ટાંકતું!

ઉન્માદી પાઘપાઘ, આછકલી ઓળખાણ, લઈ જાતી પાર-પાર

છલકાવી રોમ રોમ, વમળાવી વ્યોમવ્યોમ

ગ્હેકે વસંત વેળ છેક છેક છેક છેક છેક છેક છેક

સ્રોત

  • પુસ્તક : પંક્તિપર્વ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : દિલીપ જોશી
  • પ્રકાશક : व्यंजना (સાહિત્યિક અભિગમની સંસ્થા)
  • વર્ષ : 2000