સૂનાં ખોરડાં
suna khorda
મુકુન્દરાય પારાશર્ય
Mukundray Parasharya
સૂનું રે ફળી, સૂનાં ખોરડાં,
સૂની લીમડાની ડાળ,
સૂનાં પાનોથી છલકે વાયરે
આખા ફળિયાનો થાળ;
રાતે ચૂવે નભનાં નેણલાં.
સૂની ઓસરી, સૂના ઓરડા,
સૂનાં જાળી ને ખાટ,
સૂની અધખોલી તૂટી ડેલીએ
ઊભું જુએ કો વાટ;
ઝબકે મિજાગરું વાયરે.
નહીં રે ઝાંઝર, નહિ કો ઘૂઘરો,
નહિ કો સંચરતું ગાય.
વળગી અવાવરુ આંગણે
કુંકુમ પગલીની ઝાંય!
નયને લહરાતી ગળતી ચૂંદડી.
સૂના રે સંસારે, સૂની રાતના
નહિ કો દીવડો ન દીપ.
સમદર તીરે રવડે રેતમાં
મોતી વિહોણી છીપ.
સૂનકારે એકલતા સામટી.
રે’તાં રે રે’તાં તે દી સામટાં,
આજે ઉજ્જડ આવાસ.
તોયે રે રઘવાયા મારા જીવને
વળગ્યો વિરહે સહવાસ.
રણના વંટોળે સૂકું પાંદડું.
સ્રોત
- પુસ્તક : મનડામાં મોતી બંધાણું (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : ડૉ. જયન્ત પાઠક, પ્રા. સનતકુમાર મહેતા
- પ્રકાશક : જ્યોતિ મુ. પારાશર્ય
- વર્ષ : 2005