રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારા ઝૂડામાં ચાર ચાર ચાવીનું ઝૂમખું–
ને ઝૂમખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ
પહેલી તે ચાવીથી પાણિયારું ખૂલે ને ખૂલે કંઈ પાંપણનો ભાર
માટલાને વીછળતી હું રે વીછળાઈ જાઉં; ધોઉં જ્યાં નિજનો આકાર
નિજને ફંફોસતી હું રે ભીંજાઈ જાઉં–
ને કમખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ
બીજી તે ચાવીથી દેવળિયું ખૂલે; ને ખૂલે આતમના આધાર
દીવડો પેટાવીને જાતને સમેટું ત્યાં અંધારા ભાગે ઓ પાર
ભીતરના તારને છેડવાને બેસું–
ને મનખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ
ત્રીજી તે ચાવીથી પરસાળિયું ખૂલે ને ખૂલે કંઈ અણકથી વાતો
ચાકડે ચઢેલ મૂઈ અમથી આ જાતમાંથી ફૂટે કંઈ અવનવી ભાતો
વાતે વાતે તે કંઈ વણી લઉં વારતા–
ને આયખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ
ચોથી તે ચાવીથી મેડિયું રે ખૂલે રે ખૂલે કંઈ અણદીઠા દેશ
છાનીછમ્મ વેલ મારી પાંગરતી વેરાતી સૂંઘી લ્યે પાછલી રવેશ
સામટા કંઈ મોરલીયા નાચી રે ઉઠે–
ને ઝરુખે વાગે રે ઝીણી રે ઝાંઝરી રે લોલ.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન ૨૦૧૨ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : મનોહર ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2015