andharunandharun gharman ne bhaar - Geet | RekhtaGujarati

અંધારુંઅંધારું ઘરમાં ને બ્હાર

andharunandharun gharman ne bhaar

રમેશ પારેખ રમેશ પારેખ
અંધારુંઅંધારું ઘરમાં ને બ્હાર
રમેશ પારેખ

અંધારુંઅંધારું ઘરમાં ને બ્હાર

દીવો પેટાવું છું એનો ઉજાસ નથી દેખાતો દીવા મોઝાર.

આંખો ઘૂમે રે નીડભૂલ્યા વિહંગ-શી

ચારે દિશામાં એકધારી

આવો તે અંધકાર કોણે ચણ્યો છે

જેમાં આગિયા સમી નહીં બારી

રૂંવેરૂંવે હું પારદર્શક હોઉં

એમ આવે ને જાય આરપાર.

કંઈ યે જાણ મને એનીઃ હું સ્થિર

અહીં ઊભો કે જાઉં છું તણાતો

આંગળીમાં ફૂટેલો લીલોછમ ટાચકો

કાળો અવાજ બની જાતો.

મારી ઝળહળતી વેદનાને ટુકડો

મળે આભનો તો પાડું સવાર.

અંધારુંઅંધારું ઘરમાં ને બ્હાર

દીવો પેટાવું છું એનો ઉજાસ નથી દેખાતો દીવા મોઝાર.

(ર૬-૮-'૬૮ મંગળ)

સ્રોત

  • પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 6