ghaate - Geet | RekhtaGujarati

કોઈ આવે કોઈ જાય, કોલાહલ ભીડનો શો રઘવાટે!

મેર, મેર આવતી જતી નાવ; નાંગરેલ ઘાટે.

આબાલ આધેડ સહુની ઠેલંઠેલા :

એકલી અધીરાઈનાં ન્હોરાં કેટલાં

મહોરાં સઘળાં ચહે

પાર જવાને પ્હેલાં :

વિછોડ ને વળગાડની વ્યાકુલ બેલા.

માલના થેલા કાંધે–મોંઘાં મૂલથી વ્હોરેલ હાટે.

અંગનું ઓઢણ એકલું, પવન રમતો ખાલી હાથે;

કોઈ જુએ રાહ, અહીં કોઈ મારી સંગાથે.

ક્યાંય જવા નહીં લેશ ઉતાવળ મારે,

કલ કલ નદી જલની વાણી વ્હેણની

તરત લ્હેરની છોળે

રેલાય રે બેઉ આરે :

તેજમાં હીરાગળ-ઘેરાં અંધારે.

મોકળો મારગ મેળવું; નીલિમ નભ ઝળુંબતું માથે.

આવન જાવન ઓસરે, ઉજેસ આથમે જ્યાં દિનશેષે,

નિથર જલે નાવ કો એકલ સરતી તિમિરવેષે.

તીરનો શમે બોલ ઉડુગણ ગાને,

તુતકનો અસવાર હું, સરલ

વણહલેસે સ્હેલતો જાઉં

અરવ અમલ પાને;

તરસ વિહીન તોષના તરુણ ભાને.

પાંપણ ભીતર અડતી હવા ઓળખું ઇતર દેશે.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 86)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ