ગીત વગરનું ગીત
Geet Vagarnu Geet
મનહર ચરાડવા
Manhar Charadva

બાઈ, બેઠી'તી આજ લગી ઈ માંડવો કડડભૂસ પડ્યો!
માંડવા ભેળો આંખથી કાળા જળનો ઊનો દરિયો દડ્યો!
હેમ ભરેલાં વર્ષો, મારું લોહીનું જગત, ડગલાં સંધાં,
બાપની ફળી, પીપળો, ગલી, સામટાં ગળે બાઝે!
ફરતું ચારેકોર્ય વીતેલું સમણા જેવું ઝબકી પાછું
બાવળિયું થઈ ગામ બળે, આ હાથનો મુલક દાઝે!
બાઈ, બેઠી'તી આજ લગી ઈ બાગ ઊડીને ક્યાંય પડ્યો!
પડ્યા ભેળો આંખથી કાળા જળનો ઊનો દરિયો દડ્યો!
આમ તો સૌની હાર્યે ખાવું પીવું ઊઠવું બેસવું અને
બેસવું ઊઠવું પીવું ખાવું હસવું રોવું કરવું!
પણ, ઉનાળો પંડ્યમાં ગર્યો - રૂંવે એની ઝાડિયું ફૂટી,
લાવારસે ડુંગરા તૂટ્યા, ખૂટતું ગયું ડરવું!
બાઈ, બેઠી'તી આજ લગી ઈ ઉંબરો અંગે અંગ રડ્યો!
રડ્યા ભેળો આંખથી કાળા જળનો ઊનો દરિયો દડ્યો!



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 97)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ