geet - Geet | RekhtaGujarati

હથેળિયુંના ડંગર-ડુંગર કેડી-કેડી જંગલ-જંગલ

ખીણ-ખીણ સ્રોવર-સ્રોવરમાં

લીલો-લીલો બોળ થઈને છલછલ ઝલઝલ તરે

ફરે ને તરે આપણો શ્વાસ!

ભૂરાં પીળાં જબ્બર પંખી સાથે ઊડ્યાં

કરી કરીને લોહીતણા દરિયાને વીંધી

ક્યાંક ઊતર્યાં-ના દીવાએ દીવા કેરો

ઝાંખો-મીઠો આંખમાં અજવાસ

યાદ આવે બંધ આંખ્યુંના ઝાડ ઝાડથી

મબલખ ખરતાં મેળે પાકાં અમરફળો કૈં

ખાઈ કરેલો નામ વગરના દેશ ભણી-નો

અંત વગરનો ધોળોફૂલ પ્રવાસ!

ધુમ્મસ ચીરી ઘોર પરિચય તૂટે એવો ફૂટે

પાછો ફરી ફરી આપણ મોરોનાં

કળાયલાં પીછાંમાં ને ત્યાં ઊભરાતું

રંગાતું ઝળકે વરસેલું આકાશ!

નજરતણાં બહુ દૂર ગયેલાં રંગ રંગનાં

હરણાંઓની સોનાની શીંગડિયુંમાંય

સાંજ ખરીને વંટોળાતી ધસમસતી

સામી આવે કે ઉંબર સૂરજ ઊગે,

ચરણોને તળિયે સૂતેલો મેંદીનો રવ જાગી

ભીનો ભીતરનો ફૂલ છોડ લઈને

હળવે હળવે ઉપર આવી લહર લહરતો

રોમરોમના કર્ણો પાસે પૂગે!

હોઠ હોઠથી સરી જતું શ્રીનગર આપણું

લસરી લસરી હોઠ હોઠમાં તરતું જાતું.

આમતેમ મઘમઘતું ઝૂલી કાંઠા પર જઈ

કાંઠા જેવું ઘડીક કરતું વાસ!

હથેળિયુંનાં ડુંગર-ડુંગર કેડી-કેડી જંગલ-જંગલ

ખીણ-ખીણ સ્રોવર-સ્રોવરમાં

લીલો-લીલો બોળ થઈને છલછલ ઝલમલ

તરે ફરે ને તરે આપણો શ્વાસ!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-3 (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981