dekhtaa diikraano javaab - Geet | RekhtaGujarati

દેખતા દીકરાનો જવાબ

dekhtaa diikraano javaab

મોહનલાલ નાથાલાલ મોહનલાલ નાથાલાલ
દેખતા દીકરાનો જવાબ
મોહનલાલ નાથાલાલ

હરખે હીંચતું હૈયું જેનું, પાદર જેવડું પત,

ગોવિંદભાઈના ગાંડિયા આગળ, ગગુ લખાવતો ખત,

માડી એની ગોમટા ગામે, મટુબાઈ માકોર નામે.

મેડીયું મોટી ને મોટરું દોડે, મુંબઈ મોટું ગામ,

રખડી રખડીને થાક્યો માડી, તંયે માંડ મળ્યું છે કામ,

લાગે સૌને શે’ર મજાનાં, ઈથી તો ગામડાં સારાં.

હોટલમાં માડી નોકરી કરું, વેચું છું રોજ ચાઈ,

પેટ પૂરતું માંડ ખાવાનું મળે, બચે નહીં એક પાઈ,

નાણાં તું મંગાવે ત્યાંથી, પૈસા તુંને મોકલું ક્યાંથી?

હોટલમાં હું ખાઉં છું માડી, હોટલમાંહી વાસ,

ખાવાનું પૂરું ના જડે તે દિ’, પીઉં છું એકલી છાશ,

પેટે હું થીંગડાં દઉં, વાત મારી કોને કહું?

કાગળ તારો વાંચીને માડી, છાનોમાનો હું રોઉં,

થાક્યોપાક્યો નીંદરમાં હું, તારાં સ્વપ્નાં જોઉં,

આંહુ મારાં કોણ જુવે, માડી વિણ કોણ લૂવે?

સમાચાર સાંભળી તારા, મન મારું બઉ મૂંઝાય,

રાખ્યો પ્રભુએ નિર્ધન મુને, એને કેમ કરી પુગાય?

દશા તારી એવી મારી, કરમની ગત છે ન્યારી!

રેલ-ભાડાના પૈસા નથી ને કેની પાંહે હું જાઉં?

વગર ટિકિટે માવડી મારી, તારાં દરસને ધાઉં!

માડી મારી વાટડી જોજે, આંહુ માતા ઉંરનાં ધોજે.

લિખિતંગ તારા ગગુડાના, વાંચજે ઝાઝા પરણામ,

છેવટ તુંને મળવા કાજે, આવું છું તારે ધામ,

મા-દીકરો ભેળાં થાહું, સાથે મળી સરગે જાહું.

રસપ્રદ તથ્યો

(શ્રી ઇન્દુલાલ ગાંધીના ‘આંધળી માનો કાગળ’ કાવ્યનો શ્રી મોહનલાલ નાથાલાલે લખેલો જવાબ)

સ્રોત

  • પુસ્તક : અમી સ્પંદન (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : પ્રવીણચન્દ્ર દવે
  • પ્રકાશક : લલિતા દવે
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ (દસમું પુનર્મુદ્રણ)