ganesh besaartaan tathaa ganeshmaatliinun levaa jataan gaavaanun geet - Geet | RekhtaGujarati

ગણેશ બેસારતાં તથા ગણેશમાટલીઓ લેવા જતાં ગાવાનું ગીત

ganesh besaartaan tathaa ganeshmaatliinun levaa jataan gaavaanun geet

દલપતરામ દલપતરામ
ગણેશ બેસારતાં તથા ગણેશમાટલીઓ લેવા જતાં ગાવાનું ગીત
દલપતરામ

મારે આજનો દિવસ અતિ ઉજળો;

હું તો ગણેશ વધાવાને જૈશ,

મારે સોના સમો રે સૂરજ ઉગિયો;

મોટે હરખે મેં પગરણ માંડિયું;

હું તો લાખેણો લ્હાવો લૈશ, મારે...

આજ સુખનો રત્નાગર રેલિયો;

આજ લખમીની દીસે લીલાલ્હેર, મારે;

આજ દશે દિશાઓ દિસે ઉજળી,

આજ શોભી રહ્યું છે સારૂં શેહેર, મારે...

હું તો તરિયા તોરણ બંધાવું ટોડલે,

મોઘાં મોતીડે પૂરાવું ચોક, મારે;

હું તો વાજાં વગડાવું હેતે હરખનાં;

લીલા જોવા મળે લાખો લોક, મારે...

કહાવું વ્હાલાં સગાંને વધામણી;

કરૂં આનંદ ઓચ્છવ આજ, મારે;

આજ ધન્ય ઘડી ને ધન્ય દહાડલો;

જાણું આજ મળ્યું રૂડું રાજ, મારે...

મારે આંગણે સાજન મળી આવશે;

મારાં ઝરૂંખાં ઝાકઝમાળ, મારે;

ઓપે ઇંદ્રાપૂરી શા મારા ઓરડા;

સોના ૫ત્રે મઢેલી પરસાળ, મારે...

હું તો સુડલા કોયલડીને વિનવું;

કરો મારે આંગણે કલ્લોલ, મારે;

તમે બેસી સોનાને સુંદર પાંજરે;

બોલો બોલો મધુરા મુખે બોલ, મારે...

સજની સારી વધામણી સાંભળી;

મને આનંદ વાધ્યો અંગોઅંગ, મારે;

આજ ક્રોડ દીવાળી જેવો દીન કહું;

વધ્યો એથી પણ વધતો ઉમંગ, મારે...

આજ ઘેર ઘેર આનંદ છે ઘણો;

આજ શણગાર્યું છે સારૂં ગામ, મારે;

એવો ઉત્તમ અવસર જાણીને;

દેછે આશિષ દલપતરામ, મારે...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 148)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002