gandhini gujrat - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગાંધીની ગુજરાત

gandhini gujrat

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
ગાંધીની ગુજરાત
હરિકૃષ્ણ પાઠક

આમ જુઓ તો ગરવી ગુણિયલ

આમ જુઓ તો ઘેલી,

ગાંધીની ગુજરાત મૂળમાં મીઠી અમરતવેલી.

અણહકનું ના ખપે કોઈ દી

હકનુંયે ના માગે;

અવર કાજ ઓળઘોળ

ને સ્વારથ નિજના ત્યાગે.

કોઈ કહે સાગરપેટી, કો કહેતું ગાલાવેલી

—ગાંધીની.

વનનાં વન પાંખાં થઈ ચાલ્યાં

ઝાંખા જળના દીવા;

મરુ ભોજના મૃગજળમાં

મોતી શોધે મરજીવા.

જળની રેખ સપનમાં તબકે તોયે કરતી કેલિ.

—ગાંધીની.

દેશ અને દેશાવર ખેડે

વહે વણજ-વેપાર,

ઝીણું કાંતે પંડજોગ

ને વેરે અપરંપાર.

ભીડ પડ્યે ભડ થઈને રહેતી, લેતી આપદ ઝેલી.

—ગાંધીની.

રંગ-રાગમાં રમતી

તોયે રૂડો સંયમ દાખે,

મીઠું બોલે મરમભર્યું

ને ભેદ કાળના ભાખે.

જૂનું થોડું જાળવતી, ને થોડી નવી-નવેલી.

—ગાંધીની.

રાસ રચ્યા જે કૃષ્ણે

એની ઘેર હજીયે ગુંજે,

અલખધણીની અહાલેક

કંઈ હાડ મૂળમાં ઊંજે.

કોણે ચાંપી હૈયા સરસી, કોણે દૂર ધકેલી?

—ગાંધીની.

સ્રોત

  • પુસ્તક : જળના પડઘા (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સર્જક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1995