Ora Aavo To - Geet | RekhtaGujarati

ઓરા આવો તો

Ora Aavo To

અનિલ જોશી અનિલ જોશી
ઓરા આવો તો
અનિલ જોશી

ઓરા આવો તો વાત કરીએ માણસજી

આઘાની વાત બધી ઓરી : લે બોલ!

અમે આવીને ગામને ઉતારે માણસજી

હોંકારો નાનકડો માગીએ : લે બોલ!

અમે વીજળીને એક ઝબકારે માણસજી

આખી રામાયણ વાંચીએ : લે બોલ!

અમે પાદરની ખાંભીએથી જોયા માણસજી

ધિંગાણા ધણ થઈ છૂટતા : લે બોલ!

અમે ડેલીએથી ઊતરતાં બેડાં માણસજી

પાણિયારે પહોંચીને ફૂટતાં : લે બોલ!

અમે ઉંબરે પડેલ સંજવારી માણસજી

મે’લીને કોઈ ગયા ચાલી : લે બોલ!

અમે ડાયરા ભરીને ક્યાંક બેઠા માણસજી

ડાયરાઓ તોય રહ્યા ખાલી : લે બોલ!

અમે એકવાર ગામડે ગયા’તા માણસજી

ખેતરે જરીકવાર અડકી : લે બોલ!

અમે બંધ જોઈ શેરી વટાવી માણસજી

રાવજી પટેલની ખડકી : લે બોલ!

અમે લાખવાર આવીને જાતા માણસજી

જાતરા હજીય છે અધૂરી : લે બોલ!

અમે જુગ જુગના વણઝારા માણસજી

આટલેથી વાત હવે પૂરી : લે બોલ!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1968 (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ