jaDyan chho - Geet | RekhtaGujarati

કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડ્યાં છો,

આપમેળે સૂર ઊમટે તમે હોઠની ઉપર એમ ચડ્યાં છો.

એમ તો અમે નીરખ્યું હતું

સાંજને સમે સૂરનું આખું ગામ,

ગામને કશી ગમ નહીં ને

ગણગણે બસ ગમતું એક નામ;

સીમમાં ખેતર-ક્યારડે રેલા જળના દડે એમ દડ્યાં છો!

કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડ્યાં છો.

આપણું એમાં કંઈ ચાલે

દીપ કહે તો દીપ ને કહે ધૂપ તો થાવું ધૂપ,

એમને કારણ ગીત ગાવાનું એમને કારણ

તાલ દેવાનો આપણે કારણ ચૂપ;

રોજ સવારે જોઈને ઝાકળ પૂછવું કોને આટલું બધું શીદ રડ્યાં છો?

કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડ્યાં છો.

સ્રોત

  • પુસ્તક : સાંપ્રત ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : રાજેન્દ્ર પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2015