etlaman to - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એટલામાં તો

etlaman to

જગદીશ વ્યાસ જગદીશ વ્યાસ
એટલામાં તો
જગદીશ વ્યાસ

આપણે હજી જાણતાં નથી એકબીજાનું નામ

એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ

જાઉં હું દોરો વ્હોરવા મને ખ્યાલ તારો હોય

દુકાને તુંય રે આવે વ્હોરવા માટે સોય

ગામ એવું તે હાલતાં ભેગાં થઈએ ઠામોઠામ

એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ

એકબીજાનું સાંભળ્યું નથી આપણે એકે વેણ

આપણી વચ્ચે આટલી છે બસ, લેણ ગણો કે દેણ

નેણ મળે ને અમથું હસી પડતાં સામોસામ

એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ

કાલ સાંજે તો આરતી ટાણે ભીડ જામી'તી બહુ

'જયઅંબે મા, જયઅંબે મા' ધૂન ગાતાં'તાં સહુ

ધૂન ગાતાં'તાં આપણે 'રાધેશ્યામ હો રાધેશ્યામ'

એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 388)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004