dhuliye marag - Geet | RekhtaGujarati

ધૂળિયે મારગ

dhuliye marag

મકરંદ દવે મકરંદ દવે
ધૂળિયે મારગ
મકરંદ દવે

કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલામાલ,

આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો, આપણા જેવો સાથ,

સુખદુખોઃની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખેપડખે, માથે નીલું આભ,

વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;

દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત!

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;

નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ!

સ્રોત

  • પુસ્તક : ગુલાલ અને ગુંજાર (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : ઈશા-કુન્દનિકા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997