gamtanno kariye gulal - Geet | RekhtaGujarati

ગમતાંનો કરીએ ગુલાલ

gamtanno kariye gulal

મકરંદ દવે મકરંદ દવે
ગમતાંનો કરીએ ગુલાલ
મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા, ગુંજે ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક તો ઓશિયાળી આંગળી,

ખંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,

સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?

ખાડાખાબોચિયાને બાંધી બેસાય, તો

વરસે ગગન ભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?

સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?

આવે તે આપ કરી પળમાં પસંદગી,

મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી

ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,

ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,

આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?

માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં

રણકી ઊઠે કરતાલ!

ગમતું મળે તો અલ્યા, ગુંજે ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004