dariyo - Geet | RekhtaGujarati

દરિયો અઢારસો સત્તાવન

દરિયો આગણીસસો ને બાવન

દરિયો આજે કાલે હમણાં

દરિયો ઈસ્વી સનની પહેલાં

દરિયો દરિયો રે, દરિયો દરિયો રે

દરિયો હાથે પકડી રાખો

દરિયો પગમાં જકડી રાખો

દરિયો અંધારે અટવાય

દરિયો હાથ મહીં રહી જાય

દરિયો ગાંડો થઈને છલકે

દરિયો તમે અડો તો મલકે

દરિયો ઊંચો નીચો થાય

દરિયો અંધારામાં જાય

દરિયો રાતે રેતી ખાય

દરિયો ઊંધો થઈ સૂઈ જાય

દરિયો દરિયો રે, દરિયો દરિયો રે

દરિયો સાત સમુંદર તરતો

દરિયો હાથ મહીંથી સરતો

દરિયો ડા’પણનો ભંડાર

દરિયો મૂર્ખાનો સરદાર

દરિયો ફળિયામાં આળોટે

ફળિયું તો યે સૂકું હોય

દરિયો છાતી થઈને ધડકે

તો યે દરિયો દરિયો હોય

દરિયો કશું નહીં ને દરિયો

દરિયો કશું નહીં ને દરિયો

દરિયો કશું નહીં ને દરિયો

દરિયો ઝાડપાન ના, દરિયો

દરિયો નદી નહીં, પણ દરિયો

દરિયો દરિયો રે, દરિયો દરિયો રે

દરિયો પીંજણથી પીંજાય

દરિયો ગોફણથી વીંઝાય

દરિયો કરડે ગાલે દરિયો

દરિયો ખોડું ચાલે દરિયો

દરિયો તમે નહીં, પણ દરિયો

દરિયો તમે નહીં, પણ દરિયો

દરિયો ખોદો તો ખોદાય

દરિયો સૂકવો તો સુકાય

દરિયો ચોરો તો ચોરાય

દરિયો દરિયો નહીં ને દરિયો

દરિયો દરિયો રે, દરિયો દરિયો રે

દરિયો તમે દબાવો છાતી

દરિયો હવે તમારો સાથી

દરિયો તમે નહીં તો કોણ

દરિયો દરિયો રે, દરિયો દરિયો રે

દરિયો કાળી માછણ ચૂમે

દરિયો ગલીગલીમાં ઘૂમે

દરિયો દરિયાને કે'વાય

દરિયો દરિયાને કે'વાય

દરિયો દરિયો રે, દરિયો દરિયો રે

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2