સમદર
samdar
બાલમુકુન્દ દવે
Balmukund Dave

સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!
કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય!
કોઈ બુંદે પોઢ્યું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!



સ્રોત
- પુસ્તક : બૃહદ્ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2010