એમ એટલે એમ
aem aetle aem
શૈલેશ ટેવાણી
Shailesh Tevani

એમ એટલે એમ...
તમે જો ફાગણ ફોરો તો હું ફૂલ બની જઉં તેમ
રેશમ જેવી વાત ગૂંથું ને પૂછું કુશળક્ષેમ.
એમ એટલે એમ...
હું ભરચક્ક ભીંજાઉં પછી હું વાદળ નીતરું તેમ
તમે હીંચતાં હિંડોળે હું ગગન ઢળી જઉં એમ.
એમ એટલે એમ...
ધરાને અડકું, સહેજ નમું હું ખુશ્બો એવી કેમ
જે બોલાવે તેને મઘમઘ ન્યાલ કરી દઉં તેમ.
એમ એટલે એમ...
ના શિયાળો, ના ઉનાળો ઝરમર નિશદિન જેમ
છલછલ કરતી ઘડી એકમાં વ્હાલ કરી જઉં એમ.



સ્રોત
- પુસ્તક : ઝાંખું ઝીણું તેજ ખર્યું રે... (પૃષ્ઠ ક્રમાંક 10)
- સર્જક : શૈલેશ ટેવાણી
- પ્રકાશક : દર્શક ફાઉન્ડેશન
- વર્ષ : 2013