gaamne padar vadka hethal dosla bese das - Geet | RekhtaGujarati

ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે દસ

gaamne padar vadka hethal dosla bese das

કૃષ્ણ દવે કૃષ્ણ દવે
ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે દસ
કૃષ્ણ દવે

ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે દસ

એ'યને આખા ભવની વાતું કરતા રહેતા, ખેંચતા રહેતા, આયખાનો ઇ કસ

બગલાઓની પાંખ જેવી તો ચોરણી ઉપર કેડિયું માથે પાઘડી કાં તો ટોપી

ભરચોમાસે ટહુકી ઊઠે સીમ ઇ ટાણે ભાભલાઓનેય સાંભરી જાતી પોતપોતાની ગોપી

એ'યને વીતેલ કાળને જરાક ખોતરી એમાં ડોકિયાં કરી બોખલું હસી તાણતા રહેતા એકબીજાની નસ

ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે દસ

ગોઠણે ટાઇટ પનિયું બાંધી ને બેસવાની ઇ જોઈને સ્ટાઇલ ઢળતા સૂરજનેય થાતું કે હાલને જરાક ઊતરી હેઠો બે'ક ઘડી તો બે'ક ઘડી પણ ભાભલાઓને મળતો આવું

વાયરાને પણ એમ થાતું કે ડાયરામાં શું થાય છે વાતું? કાન કરીને સરવા ઘડીક હાલને હુંય સાંભળતો આવું

હોય ના છેલ્લી સાંજ ઇ રીતે ઊજવી લેતા, ખીજવી લેતા, ગટગટાવીને રોજ પી લેતા જિંદગી નામે રસ

ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે દસ

શ્હેરથી આવેલ પાંચ મોબાઇલ આંખ ફાડીને રહી ગ્યા જોતા એ'ય તડાકે તાળીઓ દેતા ડોસલા સાલાઓ આટલો બધો કેમનો કાઢે ટેમ?

આપણા વગર કોઈ જીવી શકતું જ નથી એમ માનતા હોય ઇ ભલભલાના આઇ આવીને ફટ્ ફૂટી જાય વ્હેમ

એ’ય પોતીકી મોજ મૂકીને રીલની ગુલામ થઈ જાતી ઇ પેઢીયું ને પણ સાવ મોઢામોઢ કહી દેતા કે બહુ થયું ભાઈ બસ.

ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે દસ

સ્રોત

  • પુસ્તક : ગુજરાત : દિપોત્સવી અંક : ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 384)
  • સંપાદક : જયેશ દવે
  • પ્રકાશક : માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર