ગાઈ લે તારું ગાન
gaaii le taarun gaan
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
ગાઈ લે તારું ગાન,
સૂરની પાંખે ઉરના ભાવો
ઊડવા દે આસમાન!
વનભૂમિએ ફૂટતાં પેલાં
ઝરણ કેરાં પાણી;
મારગે એને મળતાં રોધન,
મળતી મધુર વાણી,
તેજતિમિરે જાય વહી જો
આપ મહીં મસ્તાન.
આધેક બીડ્યાં નૅણ મહીં તવ
રમતું ગભીર સૉણું,
માંહ્યલી તારી દુનિયા બાહિર
સંગ કરે મોં-જોણું;
ભજનમાં જ્યમ એકતારાની
ભળતી સુરીલ તાન.
સૂરમાં સીમિત ગાન જો તારું
જાય રે અસીમ દેશે,
ફૂલની મોહન સુરભિ જેવું
સરતું અદીઠ વેશે,
કોઈ અજાણ્યા ઉરની મૂંગી
ટહુકે ભરે વાણ.
સ્રોત
- પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી - માર્ચ ૨૦૧૦ (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
