andh - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય:

ધીમા ધીમા સૂર થતા જે પડતાં તારા પાય,

સુણીને સૂર તારા,

માંડું છું પાય હું મારા.

ઝૂલતો તારે કંઠે તાજાં ફૂલડાં કેરો હાર,

સૌરભ કેરો આવતો તેનો, ઉર સુધી મુજ તાર:

ઝાલીને તાર તારો,

માંડું છું પાય હું મારો.

વાયુ કેરી લહરીમાં તુજ વસ્ર તણેા ફફડાટ;

સાંભળીને ખોજતો મારા જીવન કેરી વાટ:

ધ્રૂજતાં ડગલાં માંડું,

ધીમે ધીમે વાટ હું કાપું.

પાય તણો સૂર સુણું, ને આવે ફૂલસુવાસ,

વસ્ર તણો ફફડાટ સુણું હું,-એટલો રે'જે પાસ:

ભાળું ના કાયા તારી,

નેનોની જોત બુઝાણી.

સ્રોત

  • પુસ્તક : બારી બહાર (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સર્જક : પ્રહલાદ પારેખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1969