gorambho lai gagan jhalumbhe! - Geet | RekhtaGujarati

ગોરંભો લઈ ગગન ઝળૂંભે!

gorambho lai gagan jhalumbhe!

દલપત પઢિયાર દલપત પઢિયાર
ગોરંભો લઈ ગગન ઝળૂંભે!
દલપત પઢિયાર

ગોરંભો લઈ ગગન ઝળૂંભે એક પડે ના ફોરું,

તારે ગામે ધોધમાર ને મારે ગામે કોરું!

પલળેલી પહેલી માટીની મહેક પવન લઈ આવે,

ઝરમર ઝરમર ઝીલવું અમને બહાર કોઈ બોલાવે,

આઘે ઊભું કોણ નીતરતું, કોણ આવતું ઓરું?...

નાગણ જેવી સીમ વછૂટી ધસી આવતી ઘરમાં,

ભીંતે ભીંતે ભાર ચડ્યા હું ભરત ભરું ઉંબરમાં,

ચાસ પડ્યા તારા ચૌટામાં, હું અંધારામાં અહીં ઓરું...

મચ્છ તાણીને તારે મારગ મેઘાડંબર આજે,

નદીએ નીર ચડ્યાં ને ચાંદો નેવાં ઢાંકી જાગે,

મોર ઊડ્યા તારા ડુંગરિયે, ટહુકા અહીં હું દોરું...

ઉગમણું ચડવું ને અમને ઊતરવું આથમણું,

રાત ઢળે નીંદરમાં ઊઘલે સજ્યું ધજ્યું એક સમણું,

તારે ગોખે દીવા બળે, હું વાટ અહીં સંકોરું...

સ્રોત

  • પુસ્તક : સામે કાંઠે તેડાં (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : દલપત પઢિયાર
  • પ્રકાશક : રંગદાર પ્રકાશન
  • વર્ષ : 2010