ગમતું ગાણું
gamtu gaanun
ભરત વાઘેલા
Bharat Vaghela

કદી તમારા ઘરના ફળિયે ચારપાઇ પર સૂતાં સૂતાં,
ચાંદો-સૂરજ, તારલિયાને રાસ રમતાં જોયાં?
કદી હાથમાં ધૂળ ભરીને, આખા ડિલે ચોળી ચોળી,
ખળખળ વ્હેતી નદીકિનારે દેહ તમારા ધોયા?
આમ જુઓ તો આ સઘળામાં કરવા જેવું કંઈ નથી
બસ, માણસ થઈને માણસ જેવું થાવાનું છે,
ગાઈ શકો તો ગાજો ભઈલા, સૂર તાલની પરવા છોડી
મન ફાવે તે ગમતું ગાણું ગાવાનું છે.
કદી ઊભા હો ભીડ વચાળે, એ જ ભીડમાં ગમી ગયેલી
આંખોવાળા ગમતા જણને આંખો સામે ખોયા?
તમે કહેશો, ભાઈ અમે તો સમય નામના ચકડોળ ઉપર
સવાર થઈને ચક્કર ચક્કર ફરતા રહીએ,
ફેર ફુદરડી ફરતાં ફરતાં હાંફી જઈએ,
થાકી જઈએ તેમ છતાંયે, હાય! પરંતું કોને કહીએ?
છોડો ભઈલા, અહીં તમારું કામ નથી કંઈ ગમતા
રસને પીવો હોય તો થવું પડે એ રસ ઝરંતા રસના ઘોયા.



સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ : ઓક્ટોબર - ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : ભાગ્યેશ જ્હા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી