ewun kani nahin! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એવું કાંઈ નહીં!

ewun kani nahin!

ભગવતીકુમાર શર્મા ભગવતીકુમાર શર્મા
એવું કાંઈ નહીં!
ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ

એવું કાંઈ નહીં!

હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ

એવું કાંઈ નહીં!

સાવ કોરુંકટાક આભ, કોરાંકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,

સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો

ઝળઝળિયાં!

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ

એવું કાંઈ નહીં!

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ

એવું કાંઈ નહીં!

કાળું ભમ્મર આકાશ મને ઘેઘુર બોલાશ સંભળાવે નહીં;

મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.

આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઈને આવે ઉન્માદ

એવું કાંઈ નહીં!

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ

એવું કાંઈ નહીં!

કોઈ ઝૂકી ઝરૂખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;

કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.

કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમેરોમે સંવાદ

એવું કાંઈ નહીં!

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ

સ્રોત

  • પુસ્તક : શબ્દનું સાત ભવનું લેણું છે (પૃષ્ઠ ક્રમાંક 116)
  • સંપાદક : રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009