ene kanto kaDhine - Geet | RekhtaGujarati

એણે કાંટો કાઢીને

ene kanto kaDhine

વિનોદ જોશી વિનોદ જોશી
એણે કાંટો કાઢીને
વિનોદ જોશી

એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ

હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ...

પછી ઢોલિયે જરાક પડી આડી તો,

અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,

ઓશીકે બાથ ભરી લીધી તો,

ફર્ર દઈ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,

મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?

હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,

આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં

પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ,

કોઈ મારામાં ઑગળીને પરબારું ડૂલ....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 424)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004