em thatun ke - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એમ થાતું કે

em thatun ke

માધવ રામાનુજ માધવ રામાનુજ
એમ થાતું કે
માધવ રામાનુજ

વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,

એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી.

ચારને ભારે લચક લચક થાઉં ને

મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રે,

મારી ઝાંઝરિયુનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;

હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,

મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા

દોડતા આગળ થાય.

ગામને ઝાંપે આઘું ઓઢી ઘરની ભૂલું કેડી.

એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી.

બારીએ બેઠી હોઉં ને

ખોળો ખૂંદતી કોમળ પગલિયુંના ખિલખિલાટે

ઊછળે છાતી છલછલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;

ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં

સીમની કૂણી સાંજ ભારીને સાહ્યબો આવે,

દનનાં ડુંગર ઊતરી આવે રાતનાં અબોલ કહેણ.

ઊંઘની આંબાડાળ : ટપોટપ સોણલિયાં લઉં વેડી.

વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી.

કવિશ્રી અબ્દુલકરીમ શેખ સાથેની સહિયારી રચના.

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ