તારને તેં ટીકીને પથ્થર માર્યો
ને મેં થાંભલે જઈને કાન માંડ્યો રે!
એક સાથે ઊડ્યું કબૂતરનું ટોળું
તું ગણતાં ભૂલી ને હું યે થાક્યો રે!
દિવસોની વાત છે : તું ખેતરમાં દોડી’તી
જ્યારે પતંગિયું પકડવા,
ધસમસતી ટ્રેઈન ત્યારે પાટા બદલે જ મારી
છાતીમાં માંડી’તી દોડવા!
પળમાં છુપાતી ને પળમાં નજરાઈ જતી
યાદ છે એ હરિયાળી આંખો,
યાદ છે : એ વખતે હું કરતો અફસોસ, મને
ફૂટતી નથી રે! કેમ પાંખો?
આજ મને સમજાયું ધોરિયાનું વહેવું
ને ફાટફાટ બાજરો આ પાક્યો રે!
તારને તેં ટીકીને પથ્થર માર્યો
ને મેં થાંભલે જઈને કાન માંડ્યો રે!
સાચ્ચું કહું છું : મારો મૂંઝાતો જીવ જ્યારે
આકાશે સાંજ ઢળે પાછલી,
એ’વું થાતું કે તને કાંટો વાગે ને એને કાઢતાં
બહાર આવે માછલી!
વરતું ના એ રીતે જુદા જુદા વેશે તું
ઊભતી મારી જ આસપાસમાં,
ભારી ચઢાવવાને બહાને તું ભરતી’તી
રોજ મને પોતાના શ્વાસમાં!
ફરફરતી ઓઢણી તું હોઠમાં દબાવ!
મારા જીવતરને ઝપ્પ ઝોકો વાગ્યો રે!
તારને તેં ટીકીને પથ્થર માર્યો
ને મેં થાંભલે જઈને કાન માંડ્યો રે!
એક સાથે ઊડ્યું કબૂતરનું ટોળું
તું ગણતાં ભૂલી ને હું યે થાક્યો રે!
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1995 (પૃષ્ઠ ક્રમાંક 73)
- સંપાદક : રમણ સોની
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1998