એક તાળી દેતામાં ભવ વીતે
Ek Tali Deta Ma Bhav Vite
હરીશ મીનાશ્રુ
Harish Minashru
હરીશ મીનાશ્રુ
Harish Minashru
એક તાળી દેતામાં ભવ વીતે
હવે માણસ જીવે તો કઈ રીતે?
સુક્કી હથેળીમાં સુક્કી તિરાડ
અને સપનાંની સુક્કી આ કુંડળી
આંસુનાં ટીપાંથી સાંધેલી આંખ
જાણે પરપોટા ગેરવતી ભૂંગળી
માણસની જેમ હવે ખખડે છે
સુક્કાતું પાંદડુંયે ઘરની પછીતે!
હવે માણસ જીવે તો કઈ રીતે?
પાણીમાં કુંડાળાં ફેલાતાં જાય
એમ જીવતરનું ફેલાતું ગૂંછળું
પીગળતું જાય હવે માણસનું નામ
જેમ તડકા વચાળે મીણ-પૂતળું
સમ્મયની સોગઠાંબાજીમાં, ભાઈ
એક માણસ હારે ને પળ જીતે!
હવે માણસ જીવે તો કઈ રીતે?
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1976 (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
