ek khari vat - Geet | RekhtaGujarati

એક લીમડાની ટોચની ડાળી, – લે વાત કર્ય!

મ્હેક માંજરથી વળી લટકાળી – લે વાત કર્ય!

હામું મારું યે ઘર્ય બહુમાળી, સું વાત કર્ય?

નકર? – એમાં તો રૂબરૂ થઈ ગ્યાં એ સાંજરે...

સાવ નવાસવા આવ્યા’તા રે’વા, – હાં ને તે કૈં!

ન’તી ખાસ કોઈ સાથે લેવાદેવા, – સમજી સકાય,

આખો દાડો તો દોડધામ પોંચી, – હાં ને તે કૈં!

ચઢ્યા મેડી, ‘થાક ખાઈં’ એમ સોચી – સમજી સકાય.

પાય આફુડા ઝરૂખડે લઈ ગ્યા, – તો સુ કરે?

અલ્યા, એમાં તો રૂબરૂ થઈ ગ્યાં, એ સાંજરે...

એક લીમડાની ટોચની ડાળી.

એ તો જલમ ધરી એકલડી રૈ’તી – એ મજો ઓર.

હાવ અલ્લડ અનોખી એ થૈ’તી – એ મજો ઓર.

કોઈ જોવે એની ટેવ એને નો’તી – એ... એમ કે?

લળી પોતાનાં રૂપ પોતે જોતી, – તે... એમ કે?

એક લટકે મારાં લોચન ખેંચાઈ ગ્યાં, – તું સું કરે?

અલ્યા, એમાં તો રૂબરૂ થૈ ગ્યાં એ સાંજરે...

એક લીમડાની ટોચની ડાળી.

હું તો, હાચું કવ? પ્રેમમાં પડી ગ્યો, – લ્યા, ખરો તું તો!

હતો માણહ, હું ન’તો કાંય લીમડો, – હા, એ જ તો!

એય ઝૂમી જરાક. બોલો કેમ? – કોણ કહી સકે?

ન’તો એ જ, લ્યા, સવાઈ સાચ પ્રેમ? – કોણ કહી સકે?

કે ફક્ત મારો સમી સાંજનો એ વ્હેમ? – કોણ કહી સકે?

મને માણસાઈ પાર કોક લઈ ગ્યાં સાંજરે,

અમે એવાં તો રૂબરૂ થઈ ગ્યાં એ સાંજરે...

એક લીમડાની ટોચની ડાળી.

પછી આભમાં આવી રાતડી, – એ આવે એ તો!

મેં તો તારેતારા સાથ માંડી વાતડી, – લે, ખરો તું તો!

મને મલી નવી લીમડાની જાતડી, – હાં ને તે કાંઈ!

નવે રસકસ ભરાઈ મારી છાતડી, – હાં ને તે કાંઈ!

મારી પાંપણ છવાઈ ગઈ મ્હેકમ્હેક માંજરે! –

અમે એવાં તો રૂબરૂ થ્યા’તાં એ સાંજરે...

પછે?!

પછે? બસ આ જ,

કે હું તો લીમડાની ટોચની ડાળી, – લ્યા, ખરેખાત?

હામે એનું આ ઘર્ય બહુમાળી, – લ્ચા, ખરી વાત!

(જાન્યુઆરી ૧૩, ૨૦૧૩, મોજે સમા, ગામ વડોદરા)

સ્રોત

  • પુસ્તક : મહાભોજ (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2019