Ek Kan Re Aapo - Geet | RekhtaGujarati

એક કણ રે આપો

Ek Kan Re Aapo

સુન્દરમ્ સુન્દરમ્
એક કણ રે આપો
સુન્દરમ્

એક કણ રે આપો,

આખો મણ નહિ માગું,

એક કણ રે આપો, મારા રાજ!

આખો રે ભંડાર મારો રહ્યો.

એક આંગણું આપો,

આખું આભ નહિ માગું,

એક આંગણું આપો, મારા રાજ!

આખાં રે બહ્માંડ મારાં રહ્યાં.

એક પાંદડી આપો,

આખું ફૂલ નહિ માગું,

એક પાંદડી આપો, મારા રાજ!

આખી રે વસંત મારી રહી.

એક ઘૂંટડો આપો,

આખો ઘટ નહિ માગું,

એક ઘૂંટડો આપો, મારા રાજ!

આખાં રે સરોવર મારાં રહ્યાં.

એક મીટડી આપો,

આખી પ્રીત નહિ માગું,

એક મીટડી આપો, મારા રાજ!

આખાં રે અમૃત મારાં રહ્યાં.

સ્રોત

  • પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2004