ek ja de – - Geet | RekhtaGujarati

એક જ દે –

ek ja de –

હરિહર ભટ્ટ હરિહર ભટ્ટ
એક જ દે –
હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ!

એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં

ખરચી જિંદગી સારી;

જામગરીમાં તણખો ન પડ્યો,

ન ફળી મહેનત મારી,

મહાનલ એક જ દે ચિનગારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,

સળગી આભ-અટારી;

ના સળગી એક સગડી મારી –

વાત વિપતની ભારી,

મહાનલ એક જ દે ચિનગારી

ઠંડીમાં મુજ કાયા થથરે,

ખૂટી ધીરજ મારી;

વિશ્વાનલ! હું અધિક ન માગું –

માગું એક ચિનગારી,

મહાનલ એક જ દે ચિનગારી.

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021