ek divas to - Geet | RekhtaGujarati

એક દિવસ તો

ek divas to

સુરેશ દલાલ સુરેશ દલાલ
એક દિવસ તો
સુરેશ દલાલ

ઘૂંઘટપટની ઘુંઘરિયાળી વાત ગગનમાં ધૂપ થઈ,

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

મોરપિચ્છનો રંગ શરીરે ભયો ભયો થઈ વહેતો,

મુરલીનો એક સૂર મીટમાં થીર થઈને રહેતો;

યમુનાજલની કુંજગલનમાં મીરાં છૂપ ગઈ.

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

ઝેરકટોરો, પ્રેમકટારી અને હેમની ગાગર,

કાંઈ કશો નહીં ભેદ હવે તો સાંવરિયાનો સાગર;

વ્રજવૈકુંઠના વૃંદાવનમાં મીરાં શ્યામનું રૂપ થઈ.

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980