e sol warasni chhori - Geet | RekhtaGujarati

એ સોળ વરસની છોરી

e sol warasni chhori

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
એ સોળ વરસની છોરી
પ્રિયકાન્ત મણિયાર

એ સોળ વરસની છોરી,

સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.

એo

ગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,

મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;

જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલેારી.

એo

મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,

ગોરાં ગોરાં ચરણે એનાં ઘુઘરિયાળાં રૂપાનાં નૂપુર;

કંઠ સુહાગે સાગરનાં મધુ મેાતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી

એo

એનાં પગલેપગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,

એના શ્વાસેશ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;

એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી.

એo

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989