દૂર શું? નજીક શું?
dur shun? najiik shun?
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઉમાશંકર જોશી
Umashankar Joshi
છોને છોડે એ ભૂમિના કિનારા,
ને શ્હેરના મિનારા,
કે હોડીને દૂર શું? નજીક શું?
એક વાર સઢ ભર્યા ફૂલ્યા,
ને વાયરા ખૂલ્યાં,
કે હોડીને દૂર શું? નજીક શું?
સામે આભના તે આગળા ખૂલે,
ને પંથ નવા ઝૂલે,
કે હોડીને દૂર શું? નજીક શું?
એના પહોળા પાલવ દૂર ફરકે,
ને ઝીણું ઝીણું મરકે,
કે હોડીને દૂર શું? નજીક શું?
કદી કૂદી દે તારલીને તાલી,
હસંત મતવાલી,
કે હોડીને દૂર શું? નજીક શું?
કદી ઝંઝાને વીંજણે રમંતી,
તૂફાને ભમંતી,
કે હોડીને દૂર શું? નજીક શું?
એ તો સરખાં-સમોવડાંને ભેટે,
ત્રિકાળને ત્રિભેટે,
કે હોડીને દૂર શું? નજીક શું?
આજ બીજકલા દેખીને ઊપડી,
પૂનમ એની ઢૂકડી,
કે હોડીને દૂર શું? નજીક શું?
એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું,
બાકી ન કાંઈ રાખ્યું,
કે હોડીને દૂર શું? નજીક શું?
છોને છોડે એ શ્હેરના મિનારા,
ને ભૂમિના કિનારા,
કે હોડીને દૂર શું? નજીક શું?
સ્રોત
- પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2012
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
