મુસાફરને
Musafarne
રમણલાલ વસંતલાલ દેસાઈ
Ramanlal Vasantlal Desai

(માઢ)
મુસાફર નયને શાની અશાન્તિ?
જરા જો ઝબકી જાગતી ક્રાન્તિ!
વાવ્યાં બીજ ને સીંચ્યાં વારી, છોડ ઊગ્યા મહામૂલ;
ફળ નવ દેખ્યાં, તોય મુંઝાઈ તોડીશ ના કદી ફૂલ;
અહો વીર, સેવા સદા અતુલ!
બોલ બોલંતા પડઘો ઊઠે ને જગતભર સૂર ઝિલાય;
વારી મહીં એક ફૂંક અડકતાં સરવર ઝબકી જાય;
અહો વીર, શ્રમ કોને ન વિલાય!
ઘનની ઘેરી ઘટા ગોરંભે જગ પર જામ્યું તિમિર;
દેહ ઘસી તેં જો ઝલકાવી વીજની એક લકીર;
ભરે જનતા ડગ એકલ ધીર.
કાળતણા રેતાળ રણે એક આછું પગલું પુજાય,
ક્રાન્તિતણા મહાભારત માંહે તારું પર્વ લખાય,
અહો વીર, પગલે પગલે વધાય!



સ્રોત
- પુસ્તક : શમણાં (પૃષ્ઠ ક્રમાંક 162)
- સંપાદક : રમણલા વસંતલાલ દેસાઈ
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 1959