kal jage! - Geet | RekhtaGujarati

જાગો, જગના ક્ષુધાર્ત! જાગો, દુર્બલ-અશક્ત!

ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે;

ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ!

નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે.

પૃથ્વીના જીર્ણ પાય આંસુડે સાફ થાય,

રક્તે ધોવાય; જાલિમોનાં દળ ભાંગે;

જાગો, જુગના ગુલામ! દેખાયે દિવ્ય ધામ:

ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે-

દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે.

નવ જોઈએ ધર્મપાલ, સ્વર્ગાસનધર કૃપાલ,

પશુના ગોવાલ સમ નિયંતા નવ જોઈએ;

માનવસંતાન સર્વ, મોડી ગર્વીના ગર્વ,

મુક્તિને પર્વ મેળ મનના મેળવીએ.

લૂંટણહારાની લૂંટ, લેશું આવાર ઝૂંટ,

ફૂટ ફૂટ બેડી લોક-પ્રાણ કેદ ત્યાગે;

જાગો, જનસમાજ, અરિને કરવા અવાજ,

ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે-

દેવા પાપીને દંડ ઘોર કાલ જાગે.

સત્તા-નિયમોની જાલ, ધારા કેરી ચુંગાલ,

ભોળાં કંગાલ કાજ ફાંસલા પસારે;

ધનિકો મ્હાલંત મુક્ત, ગરીબોનાં લાલ રક્ત

સત્તાના ભક્ત આજ શોષે કરભારે.

બહુ દિન દાસત્વ સહ્યાં, જીવન નીર્વીર્ય થયાં,

બંધુત્વે વહ્યા પ્રાણ નવરચના માર્ગે;

જાગો, જાગો, ગુલામ! આવી પહોંચ્યાં મુકામ :

ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે-

દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે.

પૃથ્વી પર રાજ કોનાં? સાચાં શ્રમજીવીઓનાં,

ખેડુનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં;

રંકોનું રક્તપાન પી પીને પે'લવાન

બનતા ધનવાન-જ્ઞાનવાન તેનું સ્થલ ના :

ગર્વોન્નત ગરુડ-બાજ, ભક્ષક પંખીરાજ!

તમ વ્હોણો સૂર્ય કાલ તપવું નહિ ત્યાગે;

જાગો શ્રમજીવી લોક, ત્યાગો તંદ્રા ને શોકઃ

પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે.

રસપ્રદ તથ્યો

અંગ્રેજી કાવ્ય પરથી 'સૌરાષ્ટ્ર' પત્રના મુખપૃષ્ઠ પર મૂકવા માટે રચાયું. મારું સૌ પહેલું પીડિત-ગીત. (યુજીન પોત્તીએરે રચેલું ફ્રેન્ચ કાવ્ય ‘લ ઇન્તરનાશિયોનાલ' આંતરરાષ્ટ્રીય સમાજવાદી હીલચાલનું અગ્રગાન બનેલું. અને 1917-1944 દરમિયાન રશિયન અનુવાદિત સ્વરૂપે એ સોવિયત સંઘનું રાષ્ટ્રગીત પણ રહ્યું. કાવ્યના અનેક અંગ્રેજી અનુવાદો છે એ પૈકી ચાર્લ્સ હોપ કેરનો જે અનુવાદ મળી આવ્યો એ નીચે આપ્યો છે.) The International Arise, ye prisoners of starvation! Arise, ye wretched of the earth! For justice thunders condemnation: A better world’s in birth! No more tradition’s chains shall bind us; Arise, ye slaves, no more in thrall! The earth shall rise on new foundations: We have been nought, we shall be all! ‘Tis the final conflict; Let each stand in his place. The international working class Shall be the human race! We want no condescending saviour To rule us from a judgement hall; We workers ask not for their favours; Let us consult for all. To make the thief disgorge his booty To free the spirit from its cell, We must ourselves decide our duty, We must decide, and do it well. ‘Tis the final conflict; Let each stand in his place. The international working class Shall be the human race! ‘Tis the final conflict; Let each stand in his place. The international working class Shall be the human race!

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997