આમને આમ
Aamne Aam
વાડીલાલ ડગલી
Vadilal Dagli

આમને આમ
સૂમસામ
જીવન ઝરી જાય,
મારું જીવન ઝરી જાય.
દોડતા દિનની પૂંઠે દોડે વાસનાની વણઝાર;
ત્રાક વિનાનો રેંટિયો ચાલે, ક્યાંય ન ભાળું તાર - આમ...
માનવદોડ રે જામતી એવી ઘોડદોડે ઝંખવાય;
ચક્ર વિનાનો રથ મેં જોડ્યો મારગ લાંબો થાય
મારો મારગ લાંબો થાય. - આમ...
કાળનો કોસ આ જીવનકેરા જળ જોડે અથડાય;
કૂવો અરે આ ગાજતો રહેતો નીક કોરી રહી જાય,
મારી નીક કોરી રહી જાય - આમ...
દેહનો ઘોડો દોડતો જાતો કોની કને રે લગામ?
આંખ મીંચીને દુનિયા ખૂંદી ક્યાંય ન મારું ગામ
ઓરે, ક્યાંય ન મારું ગામ - આમ...
આમને આમ
સૂમસામ
જીવન ઝરી જાય
મારું જીવન ઝરી જાય.



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 134)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ