duniya no datar - Geet | RekhtaGujarati

દુનિયાનો દાતાર

duniya no datar

સુન્દરમ્ સુન્દરમ્
દુનિયાનો દાતાર
સુન્દરમ્

ધરતીનો ધારણહાર આવ્યો, ભાઈ,

તરણાંનો તારણહાર આવ્યો, ભાઈ,

હીરામોતીથી મોંઘેરા હાર,

અમૃતબિન્દુના રૂપેરી તાર,

રામની ધેનુના દૂધની ધાર,

મીઠાઈના ભાર

બાળગોપાળને કાજ લાવ્યો, ભાઈ,

મામો મીઠો મેઘરાજ આવ્યો, ભાઈ. ધરતી...

આભ માંહે એણે ડંકા વગાડ્યા,

સૂતેલા ઇન્દરરાજ જગાડ્યા.

રાજાએ મેઘના મંડપ બાંધ્યા,

જગનને માંડ્યા,

દેવો તણે દરબાર આવ્યો, ભાઈ,

ઇન્દરનો છડીદાર આવ્યો, ભાઈ. ધરતી...

માટીની ચાદર ઓઢી સૂતેલાં,

જાગી ઊઠ્યાં બીજ, વેલી ને વેલા,

હૈયે ઝર્યા માને પ્રેમના રેલા,

સુધાના ભરેલા

જીવનના સંદેશ લાવ્યો, ભાઈ,

મહેનતના સંદેશ લાવ્યો, ભાઈ. ધરતી...

ધરતીએ પંકપલંગ બિછાવ્યા,

મોર બપૈયાના નાચ નચાવ્યા,

ધાન રિઝાવી ખેડૂએ સુવાડ્યાં,

ઢબૂરીને ઊંઘાડ્યાં,

ભોજન કેરો થાળ લાવ્યો, ભાઈ,

રામરાજાનો બાળ આવ્યો, ભાઈ. ધરતી...

રામરાજા કેરી મહેર ઊતરશે,

ગાય દૂઝી દૂઝી ગોરસ ભરશે,

ખેડૂની ઊની આંતરડી ઠરશે,

ભંડારો ભરશે,

દુનિયાનો દાતાર આવ્યો, ભાઈ,

અમૃતનો અવતાર આવ્યો, ભાઈ. ધરતી...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941