makho chhoDjo re - Geet | RekhtaGujarati

માખો છોડજો રે

makho chhoDjo re

કાનજી પટેલ કાનજી પટેલ
માખો છોડજો રે
કાનજી પટેલ

ઊંચા પહાડ ઊંચા મહુડા રે બિરસાનાં ભાયાં

મહુડેથી વાગ્યા અવ્વલ ઢોલ રે

સૂતાં નગારાંને જગવો રે બિરસાનાં ભાયાં

સૂતાં નગારાંને જગવો રે

કરો ડુંગરના ભીલડ ભેળા રે બિરસાનાં ભાયાં

કરો ડુંગરના ભીલડ ભેળા રે

ભીલોના આંકડા મંડાવો રે બિરસાનાં ભાયાં

બાર કરોડ, ને બત્રી લાખ રે

વરસોનાં ગણતર લગાડો રે બિરસાનાં ભાયાં

લાખ ચાંદા ને કરોડ સૂરિયા રે

ચારે દિશાથી બંદૂક ગાજી રે બિરસાનાં ભાયાં

ગોળા છે અંગરેજી દેશી રે

પહાડો નદીઓમાં ભીલડ ઘેર્યા રે બિરસાનાં ભાયાં

ઢોલ મેલીને કામઠાં ઝાલજો રે

લાકડ ભીકડમાં ભીલડ ઘેર્યા રે બિરસાનાં ભાયાં

માટલે પૂરેલી માખો છોડજો રે

રસપ્રદ તથ્યો

બિરસા : બિરસા મુંડા, બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. ૧૮૭૫માં જન્મેલા બિરસા આદિવાસીઓના નેતા હતા અને અંગ્રેજોની ગુલામીથી આદિવાસીઓને મુક્ત કરવા સંઘર્ષરત હતા. આદિવાસીઓ માટે એ ભગવાન સમાન હતા. એમની કામગીરી એમને કોઈ એક પ્રાંત કે જાતિ વિશેષના ન રહેવા દઈ રાષ્ટ્રીય સ્તરના નાયકો સમકક્ષ મૂકે એવી બળુકી હતી. માટલે પૂરેલી માખો : લડતી વેળા મધમાખીઓનો હુમલો કરવાની આદિવાસી પદ્ધતિ.

સ્રોત

  • પુસ્તક : ધરતીનાં વચન (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : કાનજી પટેલ
  • પ્રકાશક : પૂર્વપ્રકાશ, વડોદરા
  • વર્ષ : 2012