Dungar keri khinman - Geet | RekhtaGujarati

ડુંગર કેરી ખીણમાં

Dungar keri khinman

ચંદ્રકાન્ત શાહ ચંદ્રકાન્ત શાહ
ડુંગર કેરી ખીણમાં
ચંદ્રકાન્ત શાહ

ખંતીલા એક ખેડૂત, નામે પટેલ બેચર ભૈ

બેચર ભૈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નૈં

માદરપાટનું મેલું ચોયણું અને કેડિયું સાવ કઘોણું

બેચર ભૈના વૉર્ડરોબમાં કપડાંનું એક જોડું

જીન્સ ઉપર પણ શોભે એવા જેન્યુઇન લેધરના બૂટ્સ

બ્લુ જીન્સ કરતાં લાંબાં ઊંડાં બેચર ભૈના રૂટ્સ

સ્ટોનવૉશ છે કાયા, માયા રાજકોટના સ્ટેશનની

પેરિસ બેરિસ મા પૈણતા, કોણ કૂટે લડ ફેશનની

ધરતીમાંથી મેઇડ ઇન પોતે, ટોટલ નેટિવ સ્ટાઇલ

થવા કાળ સૌ ફેઇડ થવાનાં, જીવવું ફોર વ્હાઇલ

બેચર ભૈ ના સમજે આથી વિશેષ બીજું કૈં

બેચર ભૈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નૈં

એક બિયારણ, બીજું ખાતર, ત્રીજું બ્લુ આકાશ

કિચૂડ બોલે કોસ, પડે ખેતરમાં ઊભા ચાસ

ખેડ કરીને રગેડ થ્યાં છે, આંખો, રુદિયો, માંહ્યલો

પેરિસમાં પણ પોપ્યુલર બેચર ભૈ જેવી નેટિવ સ્ટાઇલો

અઢી રોટલા શિરામણમાં, રોંઢે કોરી પટલાણી

જાઝબાઝના જલસા છોડો, બેચર ભૈની ભેંસ વિયાણી

ચલમ ધુમાડે ડિપ્રેશન ગ્યાં, બધી દુવિધા ગઈ ગઈ તે ગઈ

ખેતરથી જે છૂટી પડી છે, જનતાની જોવા જેવી થઈ

Slim, Fit, Loose, Classic જેવા શબ્દો પર છે બેચર ભૈની સહી

બેચર ભૈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નૈં

Volvo કરતાં safe અને accident free બેચર ભૈનું ગાડું

પટલાણી સાથેનું સગપણ પેટીપેક, ડેનિમ કરતાં જાડું

લગનસરાની મોસમમાં બેચર ભૈ ઘરમાં બેસાડે છે દરજી

ખિસ્સા જેટલું ખૂટી પડે તો એને પૂરું પાડે છે હરિહરજી

અવસરિયા તો તંગ ફિટોફિટ, રોજિંદુ જીવન બહુ બૅગી

મેન્યુકેક્ચરરે પણ કઠણાઈ અને comfort મૂકી છે ભેગાભેગી

‘ઓણ સાલ ઊપજ થાવાના’ થીગડાંઓથી શોભે જીન્સ

બેચર ભૈનાં જીન્સ આમ તો સાત પેઢીએ ડેનિમના કઝિન્સ

બોલો બ્રૂક શિલ્ડ્સની જૈ અને મા ચામુંડાની જૈ

બેચર ભૈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નૈં

સ્રોત

  • પુસ્તક : બ્લુ જીન્સ – બ્લૅક એન્ડ વ્હાઇટ પોએમ્સ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : ચંદ્રકાન્ત શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2000