Dungar chaDun ne — - Geet | RekhtaGujarati

ડુંગર ચડું ને —

Dungar chaDun ne —

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
ડુંગર ચડું ને —
સ્નેહરશ્મિ

હું તો ડુંગર ચડું ને આભ ઊતરું રે,

એનાં પગલાં જડે નહીં ક્યાંય રે!

ડુંગર ચડું ને આભ ઊતરું રે.

હું તો વીણા વગાડું નામ ઊચરું રે,

મારો વણસુણ્યો સાદ શમી જાય રે!

ડુંગર ચડું ને આભ ઊતરું રે.

હું તો દીવા કરું ને જગત નીરખું રે,

એના ઓળા પડે નહીં ક્યાંય રે!

ડુંગર ચડું ને આભ ઊતરું રે.

હું તો વીજે ઝૂલું સમુંદર ઊછળું રે,

મારાં સોણાં સરી સરી જાય રે!

ડુંગર ચડું ને આભ ઊતરું રે.

હું તો ચાંદા સૂરજ ઊગું, આથમું રે,

એનાં ઉગમણાં તેજ ના ભળાય રે!

ડુંગર ચડું ને આભ ઊતરું રે.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 735)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007