naw karsho koi shok rasikDan - Geet | RekhtaGujarati

નવ કરશો કોઈ શોક-રસિકડાં

naw karsho koi shok rasikDan

નર્મદ નર્મદ
નવ કરશો કોઈ શોક-રસિકડાં
નર્મદ

નવ કરશો કોઈ શોક-રસિકડાં, નવ કરશો કોઈ શોક. ટેક.

યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં૦

પ્રેમિ અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. રસિ૦

મર્મ સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિ૦

એક પીડમાં બીજી ચ્હીડથી, જળશે જીવ અગનથી. રસિ૦

હતો દૂખિયો થયો સૂખિયો, સમજો છૂટયો રણથી. રસિ૦

મુંઓ હૂં તમે પણ વળિ મરશો, મુક્ત થશો જગતમથી. રસિ૦

હરિકૃપાથિ મમ લેખચિત્રથી, જીવતો છઊં હું દમથી. રસિ૦

વીર સત્ય ને રસિક ટેકિપણું, અરિપણ ગાશે દિલથી. રસિ૦

જુદાઇ દુઃખ તે નિથ જવાનું, જાયે માત્ર મરણથી. રસિ૦

મરણ પ્રેમિને ખચિત મોડું છે, દુ:ખ વધે રૂદનથી. રસિ૦ ૧૦

જગતનીમ છે જનન મરણનો, દૃઢ રહેજો હીંમતથી. રસિ ૧૧

મને વિસારી રામ સમરજો, સુખિ થાશો તે લતથી. રસિ૦ ૧ર

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 190)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2004