Shag Ne Me To Ramti Dithi - Geet | RekhtaGujarati

શગને મેં તો રમતી દીઠી

Shag Ne Me To Ramti Dithi

યશવંત ત્રિવેદી યશવંત ત્રિવેદી
શગને મેં તો રમતી દીઠી
યશવંત ત્રિવેદી

ગુલમોરુના વનની રાતી કલગીને મેં તરતી દીઠી!

આજ દીવાથી દૂર દીવાની શગને મેં તો રમતી દીઠી!

જળનાં પ્રલયપૂરની ઉપર તરતો આવ્યો બેટ

પીપળો થઈ ઊતર્યું હેઠું આભ ને ભીતર પોપટો પેઠો!

પાનને ફૂટ્યા છંદ ને ઉપર ઘૂઘરીઓની ઠેક

પાંચ સોનાની નદિયું જોડી ફૂલને રથે રાજિયો બેઠો!

પોપટો ખોલે નેણ ત્યાં કને પોપટીને મેં ભમતી દીઠી!

આજ દીવાથી દૂર દીવાની શગને મેં તો રમતી દીઠી!

ઝાલકા દા'માં દોટ મેલે જેમ રમતિયાળા છેલ

ગજબનું ગામ તે ઘરાં ગામને શેઢે રમવા પેઠાં!

વારતા કહેતાં પાંદડાં થયાં ચૂપ જ્યાં ડાળે છેક

ખિસકોલી જેમ ફળિયે ફૂલો ગંધની ઓઢી છતરી બેઠાં!

આજ દીવાની શગને મેં તો આરતીમાં જઈ ભળતી દીઠી!

આજ દીવાથી દૂર દીવાની શગને મેં તો રમતી દીઠી!

સ્રોત

  • પુસ્તક : પરિશેષ (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : પ્રમોદકુમાર પટેલ
  • પ્રકાશક : યશવંત ત્રિવેદી
  • વર્ષ : 1978