Dikribanu Halradu... - Geet | RekhtaGujarati

દીકરીબાનું હાલરડું...

Dikribanu Halradu...

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
દીકરીબાનું હાલરડું...
હરિકૃષ્ણ પાઠક

મારા રે હાલાના છેલ્લા સૂર,

તને મેલી જાશે નીંદરમાં ભરપૂર.

મારી રે વાતોના મઘમઘ વેશ,

તને મેલી જાશે સોનપરીને દેશ.

મારી રે કાયાના ઊતર્યા ઢોળ,

તને છોળી જાશે રૂપ તણા અંઘોળ.

મારી રે ચૂંદલડીની ભાત,

જોઈ કહેશે રે સૌ કોણ તારી માત.

મારા રે વટ ને વળોટ,

દીકરી તું જગમાં એક એની જોટ.

મારો રે કામગરો સંસાર,

બચકીમાં તારી બાંધી દીધો સાર.

મારાં રે હેવાતણ રાતે રંગ,

વાંચું રે તારે ચૂડલે અખંડ.

મારી રે વાતોના મઘમઘ વેશ,

તને મેલી જાશે સોનપરીને દેશ.

મારા રે હાલાના છેલ્લા સૂર,

તને મેલી જાશે નીંદરમાં ભરપૂર.

સ્રોત

  • પુસ્તક : અવધિ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : હરિકૃષ્ણ પાઠક
  • સંપાદક : સાયુજ્ય પ્રકાશન, વડોદરા
  • વર્ષ : 2020