ધ્રૂસકે ધ્રૂસકે રોયા
dhruske dhruske roya
નવનીત ઉપાધ્યાય
Navnit Upadhyay
નવનીત ઉપાધ્યાય
Navnit Upadhyay
ખાલી શેરી ખાલી ઘર ને ખાલી માણસ જોયા
અમે ભીંતનો ટેકો લઈને ધ્રૂસકે ધ્રૂસકે રોયા
તને કે'વાની વાતુના મધપૂડા ભીતર વળગ્યા
ધુમાડો પણ થાય નહીં એ રીતે સૂરજ સળગ્યા
આંખ્યુને મન ભાવ્યાં સપનાં પાંપણ પાસે ખોયાં
અમે ભીંતનો ટેકો લઈને ધ્રૂસકે ધ્રૂસકે રોયા.
ઝાંખા ચ્હેરે સાંજ નદીને પેલે કાંઠે ચાલી
એકલતાની સામે હાલી અમે આંગળી ઝાલી
અમે પ્રતીક્ષાના રસ્તાને બટકી જાતા જોયા
અમે ભીંતનો ટેકો લઈને ધ્રૂસકે ધ્રૂસકે રોયા.
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
