dhire dhire sudharano sar - Geet | RekhtaGujarati

ધીરે ધીરે સુધારાનો સાર

dhire dhire sudharano sar

દલપતરામ દલપતરામ
ધીરે ધીરે સુધારાનો સાર
દલપતરામ

સજ્જન સંભળાવજોરે, ધીરે ધીરે સુધારાનો સાર;

સજ્જન સ્નેહ સહિત સંભળાવો. ટેક.

છોટી અકલવાળા આગળે, મુખ વદીએ મોટી વાત;

પાશેર કેરા પાત્રમાં કેમ શેર સમાશે સાત. સજ્જનo

લાખો કીડીપર લાડવો, આખો મેલિયે તો મરી જાય;

ભૂકો કરી ભભરાવીયે, તો તે ખાસી રીતે ખાય. સજ્જનo

માંકડા લઈને માનવી, બેઠો નાવમાં દઈને નૂર;

ભડકાવે તો તે અભાગિયાં, પડે કૂદી પાણીને પૂર. સજ્જનo

જે સમજે જેવી રીતથી, તેને પણ સમજાવીએ તેમ;

બેરો તો સમજે સાનમાં, ત્યારે કરીએ લવારો કેમ. સજ્જનo

બાળક આગળ બોલિયે, ત્યારે બનિયે બાળક રૂપ;

ભૂ બાઉ તાતા ભાખિયે, ભલે હોઈએ ભળેલા ભૂપ. સજ્જનo

પલક ટકે નહિ પેટમાં, જા ખાય બિલાડી ખીર;

ખામુંખાં શિદ ખવરાવિએ, તે વિચારોને મારા વીર. સજ્જનo

જંગલ કેરાં જાનવરો, આપે પાળવા કરિએ જો આશ;

એવું આદરિએ કે આપણી પાસે વસે કરી વિશ્વાસ. સજ્જનo

ધીરે ધીરે નિત્ય ધીરવી, એને અકલ શિખવીએ અનેક;

હળીમળી હેત વધારિએ, પણ છૂટા પડિએ છેક. સજ્જનo

નિશાળિયાને ગમે નહીં, આપે શિક્ષક જો એવું જ્ઞાન;

નાશીને જાય નિશાળિયા, મળે શિક્ષકને કેવું માન. સજ્જનo

છણછણતે તેલે છાંટિએ, લઈને નિર્મલ ઠંડું જો નીર;

સળગી ઉઠે સામટું વળી, સામાનું બાળે શરીર. સજ્જનo

સજ્જનને મન શુદ્ધ છે, પણ વિશ્વ વિરુદ્ધ વિચાર;

બહુજનમાં નહિ બોલીએ, જેથી ઉપજે ઉપાધી અપાર. સજ્જનo

સંસારીજનને સુધારશો, રૂડી રાખી એવી જો પ્રીત;

દલપતરામના દેવની તમે પામશો પુરી પીત. સજ્જનo

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008