devakiino valopaat - Geet | RekhtaGujarati

દેવકીનો વલોપાત

devakiino valopaat

બાબુ નાયક બાબુ નાયક
દેવકીનો વલોપાત
બાબુ નાયક

મારો સૂરજ સુવાડ્યો મેં દાભમાં.

વલવલતી વેળાએ, વજ્જરની ભીંતોમાં

ગોપ્યું'તું રૂપ એનું ગાભમાં.

મારો સૂરજ સુવાડ્યો મેં દાભમાં.

આંસુ ને ઊંહકારા આવે ના બ્હાર,

એવું તોળાતું માથે ફરમાન;

કાળમીંઢ પથ્થર શા ખોડાયા દરવાજે

કરમોના કાળા દરવાન.

મેઘલી મધરાતે, માઠાં મંડાણ,

એમાં કાપી'તી નાળ એની નાભમાં.

મારો સૂરજ સુવાડ્યો મેં દાભમાં.

હુંયે અભાગણી ના ભાળ્યું'તું મુખ,

કૂખ મારી પણ મ્હોંબોલી મા,

જળનું શેં જીરવાશે ઝાઝેરું જોર?

નથી કહેવાતું જા રે તું જા.

અંતરથી અદકેરાં આપું આશિષ

તેજ તપજો, અવનિ ને આભમાં.

મારો સૂરજ સુવાડ્યો મેં દાભમાં.

સ્રોત

  • પુસ્તક : ઝાકળભીનો સૂરજ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : બાબુ નાયક
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2023